Shibi Raja Maha Satyawadi Lyrics in Gujarati

Shibi Raja Maha Satyawadi
 
Shibi Raja Maha Satyawadi Lyrics in Gujarati
ShibiRajanu Bhajan Layrics
|શિબીરાજા મહા સત્યવાદી લિરિક્સ |
 
 
શિબી રાજા મહા સત્યવાદી
રહેતા અયોધ્યા માય
દેવ સભામાં એની વાતો હાલે
શિબી સમો નહિ રાય
ઇન્દ્ર કહે પારખુ લેવુ
હારે નહિ તો માગે તે દેવુ !
 
અગ્નિ દેવને હોલો બનાવ્યા ને
પોતે બન્યા છે બાજ
આકાશ માર્ગે ઊડીને ચાલ્યા
આવ્યા શિબી રાજા પાસ
હોલો કહે રાજા ઉગારો
સામે આવે છે કાળ મારો !
 
ત્રણ દિવસથી હું ભાગતો ફરૂ છુ
ભટક્યો બધુય રણ
ઉગારવાની એક આશા સાથે
આવ્યો તમારે શરણ
સત્યવાદી શરણે રાખો
નહિતર મુખથી નાદ ભાખો !
 
શિબી રાજા હોલાને કહે છે
સંતોષ રાખો વીર
મોઢે માગે તે બાજને આપીશ
ધારણા રાખો ધીર
હોલાને ખોળામા લીધો
બાજને અટકાવી દીધો !
 
શિબી રાજા બાજને કહે
શું છે તમારે વેર
હોલાને લઈને શરણે રાખ્યો
મનમા લાવો મહેર
તમારા દુ:ખાડા કાપુ
મોઢે માંગો તે અમાપ આપુ !
 
આમ તો મારે હવે જોતુ નથી
એમ કહે છે બાજ
હોલાને તમે છોડી દો નહિતર
પ્રાણને કરશું ત્યાગ
આંગણે મરશુ તમારે
રાજન હત્યા લાગશે ત્યારે !
 
હોલો શિબી રાજાને કહે છે
તમે સાંભળી લ્યો મારી એક વાત
બાજ બધા જ છે કાળ મારો
કરશે મારો ઘાત
કલંક તમને ચડશે
એ નરક ભોગવવા પડશે !
 
શિબી રાજા કહે
છોડુ નહિ ભલે
થનાર હોય તે થાય
તન મન ધન ને
રાજ આપી દઉં
પ્રાણ ભલે ને જાય
હારુ કેમ સત્યને માટે
રાખુ તને જીવનને સાટે !
 
બાજ શિબી રાજાને કહે
તમને એક બતાવુ ઉપાય
હોલા ભારોભાર માંસ તમારૂ
તોળીને આપો રાય
કાંટો ને ત્રાજવા લાવ્યા
દેવતાઓ જોવાને આવ્યા !
 
હોલાને તો પછી છાબમા મૂક્યો
હાથમા લીધી તલવાર
પગની પિંડી કાપી કરીને
મૂકી છાબ મૂલાર
જેમ જેમ રાજા માંસ નાખે
હોલો છાબ ને હેઠી જ રાખે !
 
શિબી રાજા માથુ કાપવા લાગ્યા
વરતાણો હાહાકાર
ઇન્દ્રએ આવીને હાથ પકડ્યા
વરતાણો જય જય કાર
ધન ધન સત્યવાદી
જે કાંઈ જોઈએ લેજો માંગી !
 
શિબી રાજા ઇન્દ્રને કહે
સાંભળો મારી વાત
આવા દુ:ખ જો દેશો હવે તો
કોણ ભજે મહારાજ
આગળ આવે કળયુગ ભારી
માનવી જાશે સત્યને હારી !
 
ઇન્દ્ર કહે છે તથાસ્તુ
શિબીએ જોડ્યા હાથ
હરિ ચરણમા ગુરુ પ્રતાપે
ધારશી ગુણને ગાય
પ્રભુ જેની વારે આવ્યા
દેવે મોતીડેથી વધાવ્યા ! 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »